રાજકોટ: દર વર્ષે 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર દિવસ એટલે કે, આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે છે. ફાયર ફાઈટર દિવસ આપત્તિમાં ફાયર ફાઈટરોના બલિદાન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ફાયર ફાઈટરોના બલિદાનને ચિહ્નિત અને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ફાયર વિભાગ દ્વારા પણ ફાયર ફાઈટર્સ દ્વારા કરવામાં આવેલા કાર્યોને બિરદાવવામાં આવી રહ્યાં છે.
કેમ કરવામાં આવે છે ફાયર ફાઈટર દિવસની ઉજવણી?
1999માં ઓસ્ટ્રેલિયા ખાતે પહેલી વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારણ કે, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લિંટનની ઝાડીઓમાં આગ લાગી હતી. જેમાં પવન અચાનક વિરૂદ્ધ દિશામાં ફુંકાતા 5 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેથી આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર દિવસ તેમના બલિદાન અને બહાદુરીના સન્માનમાં દર વર્ષે 4 મેના રોજ ઉજવવામાં આવે છે.
રાજકોટ મનપના ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ 4 મેના રોજ આંતરાષ્ટ્રીય ફાયર ફાઈટર દિવસની ઉજવણીના ભાગરૂપે કેટલીક વાતો યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે રાજકોટમાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટ શહેર આખુ જળબંબાકાર બન્યું હતું. તે સમયે રાજકોટ ફાયર વિભાગના ફાયર ફાઈટરો દ્વારા લગભગ 500થી 700 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, નદી કિનારાના વિસ્તારોના લોકોને 8થી 10 રેસ્ક્યુ ટીમની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. તે દિવસે ફાયર ફાઈટરો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી. તે ફાયર વિભાગ ક્યારેય ભુલી શકશે નહીં.
ફાયર ફાયટર્સની ટીમે જનતાનો બચાવ્યો જીવ
ચીફ ફાયર ઓફિસરે વધુ એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું હતું કે, 150 ફુટ રીંગ રોડ પર આવેલા ફાયર વિભાગના પમ્પીંગ સ્ટેશને ક્લોરિન લિકેજ થયો હતો. આ ઘટનામાં ફાયર વિભાગના 7થી 8 જવાનોને ઈજા થઈ હતી. પરંતુ, રાજકોટની જનતા સુરક્ષિત રહે તે માટે રેસ્ક્યુ ટીમ દ્વારા ક્લોરિનના બાટલાને રાજકોટની બહાર લઈ જવામાં આવ્યો હતો. આમ તે સમયે પણ ફાયર ફાઈટર્સ દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
