જો આપણી અંદર હિંમત અને જુસ્સો હોય તો, આપણે કોઈપણ કાર્ય કરી શકીએ છીએ. ત્યારે આપણે આજે એક એવા જ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે. જે દિવ્યાંગ હોવા છતાં યુવાનોને પાછળ છોડી મૂકે તેવું કામ કરી રહ્યા છે. આપણે લોધિકાના દેવ ગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ શિવાલાલ ચૌહાણની વાત કરી રહ્યા છીએ. જેમને બે હાથ નથી તેમ છતાં તેઓ કામ કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે, હાથ નથી તો કામ કેમનું કરે છે? આવો જાણીએ..
જ્યંતિભાઈ શિવાલાલ ચૌહાણ 5 વર્ષ સુધી ગામના સરપંચ રહી ચૂક્યા છે. ગામના લોકોના સાથ સહકારથી તે સરપંચ બન્યા હતા અને ખુબ જ ઈમાનદારીથી તેમની જવાબદારી નિભાવી હતી. 65 વર્ષીય જ્યંતિભાઈ ચૌહાણ જન્મથી જ દિવ્યાંગ છે. જ્યંતિભાઈ ચૌહાણના જન્મથી જ બંને હાથ કામ કરતા ન હતા. જેથી પોતાની દિનચર્યા પૂરી કરવા માટે તેમણે પગથી કામ કરવાનું શરૂ કર્યું હતું.
શરૂઆતમાં જ્યંતિભાઈને પગથી કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આજે તેઓ પગથી જ ડ્રાઈવિંગ,પેઈન્ટિંગ કરે છે. આ સાથે જ તેઓ જાતે જ હિસાબ કિતાબ કરે છે. તે દિવ્યાંગ હોવા છતાં કોઈ પર નિર્ભર રહેતા નથી. તે જાત મહેનત કરી જ કામ કરીને આત્મનિર્ભર છે.
પોતોના વિશે વાત કરતા જ્યંતિભાઈએ જણાવ્યું કે, દિવ્યાંગોને ભગવાને વિશેષ શક્તિ આપી હોય છે. બસ તેને ઓળખવાની જરૂર હોય છે. તે વર્ષ 2005થી સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેમને આ દુકાન ચલાવવામાં તેમના પત્ની ઈન્દુબેન અને તેમના સંતાનો સહયોગ આપે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 8-10 વર્ષથી જાતે જ ગાડી ચલાવે છે. તેઓ પોતાની ગાડી લઈને દ્વારકા, પોરબંદર, હર્ષદ, કચ્છ, બગદાણા સહિતના ગામે જાય છે. ગાડી ચલાવવાથી લઈને દરેક કામ પોતાની જાતે જ કરે છે. જ્યંતિભાઈને રસોઈ પણ બનાવતા આવડે છે. મહત્વનું છે કે, જ્યંતીભાઈ રતનપુરમાં મધ્યાહન ભોજન જમાડે છે. જેથી તેઓ દરરોજ પોતાની ગાડી લઈને મધ્યાહન ભોજન જમાડવા માટે જાય છે.
જ્યંતિભાઈનું કહેવું છે કે, આ બધુ તો ભગવાનની દયા હોય તો થાય. કુદરતે દરેક મનુષ્યને કોઇને કોઇ કળા આપી હોય છે. બસ તેને પરખવાની જરૂર હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર