અમદાવાદ: ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજને ફરી એકવાર અરજ કરી છે. ગુજરાત ભાજપ અને ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને ચૂંટણીમાં સહયોગ આપવા અને ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે. ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓઓએ સંયુક્ત રીતે એક નિવેદન જાહેર કરી પરશોત્તમ રુપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજ પાસે ગુહાર લગાવી છે. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે કહ્યું છે કે, ક્ષત્રિય સમાજ ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી, ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે અને PM મોદીને સંપૂર્ણ સમર્થન આપે. વિકાસકાર્યોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનું પણ યોગદાન છે. એટલે પરંપરા જાળવી સમાજ ભાજપને સમર્થન આપે.
સંયુક્ત નિવેદનમાં શું કહેવાયું?
ક્ષત્રિય આગેવાનોને જણાવ્યું છે કે, પરુશોત્તમ રૂપાલાના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. સૌના આઘાતની આ લાગણીને તરત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પરુશોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે. રૂપાલાએ એમ પણ કહ્યું છે કે -‘ભૂલ મેં કરી છે તો તેની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શા માટે કરો છો?’ એમ કહીને પણ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવવી જોઈએ.
ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, માંધાતા સિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા (રાજ્ય સભા સભ્ય) બળવંતસિંહ રાજપત (મંત્રી), જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), (ધારાસભ્ય) સી. કે. રાઉલજી, (ધારાસભ્ય) અરુણ સિંહ રાણા (ધારાસભ્ય) વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય) તથા પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય) એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું છે કે ભાજપાની ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું પણ યશસ્વી પ્રદાન રહ્યું છે. આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપીને સમર્થન આપે તેવી અમારા સૌની હૃદયપૂર્વકની ક્ષત્રિય સમાજને અપીલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર