રાજકોટ : ભાવતાલ કરાવ્યા બાદ ભૂદેવને પૂજાવિધિ કરાવવાની મનાઈ કરવી યજમાનને મોંઘી પડી છે. થોડા પૈસા બચાવવા માટે થઈ જીવ ગુમાવવવાનો વારો આવ્યો છે. જેતપુર તાલુકાના રબારીકા ગામ ખાતે ગત શનિવારના રોજ રાઠોડ પરિવારના આંગણે પિતૃકાર્ય કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાઠોડ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા 77 વર્ષીય અમૃતલાલ દવેએ મને બ્રાહ્મણ તરીકે કેમ કામ આપ્યું નહિ કહીને 51 વર્ષીય રવજી રાઠોડ સાથે બોલાચાલી કરી ધક્કો મારતા સિમેન્ટની કિનારીની કોર માથામાં લાગી જતા મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે, પોલીસે આઈપીસી 304 અંતર્ગત ફરિયાદ નોંધી અમૃતલાલ દવેની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગતો જોઈએ તો, મૃતકના પુત્ર હિતેશ રાઠોડે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાઠોડ પરિવારે એકાદ મહિના પૂર્વે પરિવારના સભ્યોએ મળીને પિતૃકાર્ય કરવાનું નક્કી કર્યું હતું.જે માટે પારંપારિક ગોર મહારાજ અમૃતલાલ દવે રાજકોટવાળાને ફોન કરતાં તેઓ ઘરે રૂબરૂ આવ્યા હતા અને પિતૃકાર્ય બાબતે પૂજા પાઠ સામગ્રી સહિતના કુલ રૂપિયા 11,000 જેટલો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. આ રકમ વધુ લાગતા ગામના દર્શન બ્રાહ્મણને બોલાવ્યા હતા. જેમણે પૂજાપા સહિત કુલ 9000 રૂપિયાનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને અમૃતલાલ દવેને પિતૃકાર્ય તેમજ હવન માટે ના પાડવામાં આવી હતી.
આ પણ વાંચો:
કઇ બે સીટ પર ભાજપને પડી શકે છે ફટકો?
ગત શનિવારના રોજ સવારના 09:00 વાગ્યાના અરસામાં કુટુંબના આશરે 40થી 45 સભ્યો મળીને એકત્રિત થયા હતા. તેમજ યજ્ઞ સહિતની કાર્યવાહી દર્શન મહેતા સહિતના પુરોહિતો દ્વારા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સવારના 11:30 વાગ્યાના આસપાસ અમૃતલાલ દવે અમારા ઘરે આવ્યા હતા અને ચાલુ હવને મારા પિતા રવજી રાઠોડ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મને કામ કેમ નથી આપેલ તે બાબતે ઝઘડો કરતા અમે કહ્યું હતું કે. તમને તમારી દક્ષિણ આપી દઈશું તમે ઝઘડો કરવામાં અને અમારો પ્રસંગ બગાડશો નહિ.
આ પણ વાંચો:
ભાજપ હેટ્રિક મારી શકશે? લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી
રવજી રાઠોડ અમૃતલાલ દવેને અન્ય રૂમમાં શાંત પાડવા માટે લઈ જતા હતા ત્યારે ઓસરીમાં પહોંચતા અમૃતલાલ દવેએ રવજી રાઠોડને ધક્કો મારતા તેઓનું સિમેન્ટની પાળ સાથે માથું ભટકાતા તેમને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તાત્કાલિક અસરથી તેમને 108 મારફતે જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા તેમને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મામલે રવજી રાઠોડના પુત્ર હિતેશ રાઠોડ (ઉવ.29) દ્વારા અમૃતલાલ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જેતપુર ઉદ્યોગ નગર પોલીસ દ્વારા આઈપીસી 304 અંતર્ગત ફરિયાદ નોંધી અમૃતલાલ દવેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્વેસ્ટીગેશન ઓફિસર કમલેશકુમાર ગરચરના જણાવ્યા પ્રમાણે 77 વર્ષીય અમૃતલાલ દવેની ધરપકડ જેતપુર ઉદ્યોગ નગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર