રાધનપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૫ –
રાધનપુર તાલુકાના ધોળકડા ગામમાં એક યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. યુવતીના નિવેદન અનુસાર, આરોપી રાજેશભાઈ હમીરભાઈ આયરે તેને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાનો વચન આપ્યો અને પછી એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા.
યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે આરોપીએ સાફ ના પાડી દીધી. આથી માનસિક તણાવમાં આવી, યુવતીએ ૧૯મી માર્ચના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ પીડિતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મામલે પીડિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, “મને ઘણા સમયથી લગ્નના બહાને વિશ્વાસમાં લઈ મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યાર બાદ આરોપીએ લગ્નથી ઇનકાર કરતાં મેં તણાવમાં આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.”
રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ બળાત્કાર અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
